Posts

Showing posts from June, 2018

વરસાદ

નભમાં મૃગશીર્ષનો વર્તારો થાય છે ને હવે ધૂળની ડમરી પણ શરમાય છે. દરિયેથી ઠંડા પવનો ફૂંકાય છે ને આકાશે કાળી વાદળી દેખાય છે. કળા કરીને ઓલ્યો મોર મલકાય છે ને વરસથી તરસ્યું ચાતક હરખાય છે. પેલા ખેડૂતની નજરો ઉપર મંડરાય છે , અરે આ તો વરસાદના ભણકારા થાય છે.

એક વિચાર

આજે આ જગત એક ચાદર ઓઢીને બેઠું છે–આડંબરની ચાદર. આ પૃથ્વી પર જાણે ફરી હિમયુગ આવી ગયો છે. બહારથી જોતા એક અનંત સફેદ ચાદર છે પણ એની નીચે એક સુંદર જીવસૃષ્ટિ ધરબાયેલી પડી છે. એ સફેદ સ્વરૂપે ફૂલોની ખુશી , ઝરણાની મસ્તી , નદીઓની નિખાલસતા , પર્વતોના સ્વાભિમાન અને સમુદ્રના સત્યને દફનાવી દીધું છે. દરેકને જાણ છે કે શું થઈ રહ્યું છે. જે કરે છે એ પણ જાણે છે અને જેની સામે કરાઈ રહ્યું છે એ પણ જાણે છે કે આ માત્ર એક ઢોંગ છે. કદાચ એનું કંઈ ફળ નઈ મળે. પણ આધુનિક માણસની જાણે આ એક ટેવ બની ગઈ છે , કુટેવ. માણસમાં આ લખનાર અને વાંચનાર બંનેનો પણ સમાવેશ કરી જ લો. આ સૃષ્ટિને ફરી ખીલવું છે , રમવું છે , દોડવું છે અને પડવું છે પણ આ ચાદરે સૂર્યપ્રકાશ રોકી રાખ્યો છે. જીવનના દરેક પાસાને એણે ઢાંકી દીધા છે. હવે જરૂર છે તો માત્ર એક બાકોરાની.