Posts

સ્થિતિ

ક્યારેક સ્થિતિને સમસ્યા ગણી લઈએ તો ઘણું બધું બદલાઈ જાય. સ્થિતિ એ કદાચ સ્થિર કે સ્થાયી હોય પણ જો એને સમસ્યા ગણો તો માનવ મગજ એનો ઉકેલ શોધવામાં લાગી જાય. ઉકેલ શોધતા કદાચ ઉકેલ ના મળે પણ તમે એક પગલું આગળ વધી ગયા. અને કદાચ એ ઉપર ચઢવાનો એક રસ્તો પણ ગણી શકાય કારણ કે જો બદલાતા ના રહ્યા તો આ દુનિયા તમને ત્યાં જ મૂકીને ભાગી જશે. ઇતિહાસ તો એવું જ કે છે કે મોટાભાગની આગળ વધવાની પ્રક્રિયા કોઈ સમસ્યાના ઉકેલ શોધતા જ મળી છે. એના માટે માત્ર વિચારના સિક્કાને બીજી બાજુ ફેરવી નાખીએ તો...

કાંઈ બોલો તો સારું

તમે કાંઈ બોલો તો સારું
પણ હું કેમનો અવસારું
મારી પાસે બધું જ છે મારું
પણ આ મન તો તમારું
તમારા વિશે કાંઈ પણ વિચારું
મનમાં તમારી છબી નિખારું
કૈંક તો છે તમારામાં ન્યારું
જગ આખું મને લાગે પ્યારું
સાચું છે , હું તો સ્વીકારું
નજીકમાં કાંઈ થાશે , ધારું
બંદામાં કાંઈ લાગ્યું ખારું?
હવે તમે કાંઈ બોલો તો સારું

વરસાદ

નભમાં મૃગશીર્ષનો વર્તારો થાય છે ને હવે ધૂળની ડમરી પણ શરમાય છે. દરિયેથી ઠંડા પવનો ફૂંકાય છે ને આકાશે કાળી વાદળી દેખાય છે. કળા કરીને ઓલ્યો મોર મલકાય છે ને વરસથી તરસ્યું ચાતક હરખાય છે. પેલા ખેડૂતની નજરો ઉપર મંડરાય છે , અરે આ તો વરસાદના ભણકારા થાય છે.

એક વિચાર

આજે આ જગત એક ચાદર ઓઢીને બેઠું છે–આડંબરની ચાદર. આ પૃથ્વી પર જાણે ફરી હિમયુગ આવી ગયો છે. બહારથી જોતા એક અનંત સફેદ ચાદર છે પણ એની નીચે એક સુંદર જીવસૃષ્ટિ ધરબાયેલી પડી છે. એ સફેદ સ્વરૂપે ફૂલોની ખુશી , ઝરણાની મસ્તી , નદીઓની નિખાલસતા , પર્વતોના સ્વાભિમાન અને સમુદ્રના સત્યને દફનાવી દીધું છે. દરેકને જાણ છે કે શું થઈ રહ્યું છે. જે કરે છે એ પણ જાણે છે અને જેની સામે કરાઈ રહ્યું છે એ પણ જાણે છે કે આ માત્ર એક ઢોંગ છે. કદાચ એનું કંઈ ફળ નઈ મળે. પણ આધુનિક માણસની જાણે આ એક ટેવ બની ગઈ છે , કુટેવ. માણસમાં આ લખનાર અને વાંચનાર બંનેનો પણ સમાવેશ કરી જ લો. આ સૃષ્ટિને ફરી ખીલવું છે , રમવું છે , દોડવું છે અને પડવું છે પણ આ ચાદરે સૂર્યપ્રકાશ રોકી રાખ્યો છે. જીવનના દરેક પાસાને એણે ઢાંકી દીધા છે. હવે જરૂર છે તો માત્ર એક બાકોરાની.

Song extension : आपकी नज़रों ने समज़ा , प्यार के काबिल मुझे...

नजरों से में क्या सुनू , मौन आंखे आपकी
कुुुछ ईशारा दीजिए , नम है मेरी ज़िंदगी
आपका जो साथ है , क्या यही वो प्यार है
दिल की धड़कन तू ठहरजा , प्यार के एहसास में
प्यार की इस राह में , एक नए अंदाज में

Mother's day

સો સૂર્યનું તેજ છે એમાં , છતાંય ચહેરા પર ચંદ્રની શીતળતા. ઝરણું નહીં , નદી નહીં પણ સ્નેહનો ઘૂઘવતો દરિયો જેના હ્યદયમાં , છતાંય લગીરે ખારાશ નહીં. ક્યારેક જીવન તોફાને ચઢે કે વાવાઝોડું પણ વાય , પવન પણ શાંત થઈ જાય જ્યારે માથે "માં"નો સ્પર્શ થાય.

મનની વાત

ના કોઈ દુઃખ ના સુખનો સાથ
કહેવી મારે મનની વાત
ખુશીઓ છે પણ કારણ ક્યાં
સિંહનું આજે મારણ ક્યાં
ક્યાંથી ચિતરાઈ આ ભાત
કહેવી મારે મનની વાત
નથી જીવનમાં કંઈ પણ ખાસ
તો ખબર નહિ શેનો છે ત્રાસ
બુદ્ધિ જ દઈ ગઈ મનને માત
કહેવી મારે મનની વાત
રસ્તો તો વરસાદે ન્હાય
મંઝિલ કેમેય ના દેખાય
ચંદ્ર વિનાની સુની રાત
કહેવી મારે મનની વાત
કંઈ છે જે મન પર હાવી થાય
આ દુનિયા સીધી ના સમજાય
રહ્યો તો હું પણ માણસ જાત
બસ આ જ હતી એ મનની વાત