પિચકારી પર્વ
પિચકારી પર્વ
આજે હોળી છે તો આજે વાત પણ કરીએ કંઈક રંગોની, પિચકારીની. તમે સાંભળી હશે પેલી બનારાસની અને રાજસ્થાનની પ્રખ્યાત હોળી-ધુળેટીના તહેવાર વિશે; પણ ગુજરાતની બારમાસી હોળી(કે ધુળેટી) વિશે સાંભળ્યું છે ખરા? સાંભળ્યું નથી પણ એના નિશાન તમારા અચેતન મગજે અચૂક નોંધ્યા હશે(એટલા બધા નિશાન હોય છે કે નોંધ લીધા વગર રહેવાય નહિ). હું એકચ્યુઅલી જન્મ્યો ત્યારથી અમદાવાદમાં જ છું. જેમ મુંબઇ, દિલ્હી, બેંગ્લોરમાં તમને આખા ભારતના લોકો મળી રહે એમ અહીંયા ભારત નહિ તો બધા પ્રકારના ગુજરાતીઓ જરૂર મળી રહે. એમાંનો અમુક ચોક્કસ વર્ગ બારમાસી હોળી રમવામાં પાવરધો છે. એ વર્ગ છે–માવા ખાવા વાળા. દૂધનો માવો તો ભાઈ નસીબદારને મળે પણ આ વર્ગને જો તમે દૂધનો માવો આપો તોય એમનો માવો માંગશે. આ એ જ વર્ગ જેમને પિચકારીના આવિષ્કારકર્તા માનવામાં આવે છે. તેમણે વિકસાવેલી પિચકારી મારવાની રીતો ખરેખર અદભુત અને બેનમૂન છે(નમૂનાઓ જે કરે એને બેનમૂન કે'વાય). એ જ પદ્ધતિઓ અને વર્ષોના અવિરત સેવા કાર્યોના લીધે શહેરના મોટા ભાગના શોપિંગ કોમ્પ્લેક્સ અને અપાર્ટમેન્ટ્સના પગથિયાં, સુલભ શૌચાલયો અને શહેરના લગભગ બધા ખૂણાઓ એક રંગે રંગાઇ ગયેલા છે. આને તમે સામાજિક એકતાનું પ્રતીક ગણી શકો. આવી જ એક પિચકારી મારવાની પદ્ધતિ અજય સાહેબ આપણે ટેલિવિઝન એડવર્ટઈઝમેન્ટ મારફતે શીખવી રહ્યા છે. પિચકારીની પદ્ધતિઓ ભલે વિવિધતાવાળી હોય પણ એકતાનો રંગ એક જ છે અને આ રંગને લોકો સુધી પહોંચાડવા સ્વયંસેવકો જરા પણ ખચકાતા નથી. તમે ક્યારેક ટુ વ્હીલર લઈને રસ્તે ફરી રહ્યા હોવ અને વગર વાદળે કેસર વર્ષાના અમુક ટીપાંનો તાનારા મોં પર છંટકાવનો અનુભવ થાય તો સમજી લેજો કે કોઈ મહાનુભાવ પિચકારી મારી રહ્યા છે. બાજુમાં બસ જતી હોય તો ઉપરથી, અને આગળ બાઈક કે રીક્ષા જતી હોય તો સીધું મોં પર આ અમૃત જળ છાંટાય છે. ક્યારેક તમે કોઈ વડીલને એમની કારનો દરવાજો ખોલીને ઉલટી કરતા જોયા હશે. સ્કૂલમાં જતા એટલે અમારા રિક્ષાવાળા કાકા પણ આ સંઘના એક્ટિવ સદસ્ય હતા. આગળની સીટમાં એમની પાસે બેઠા હોઈએ તો ઈશારાઓથી અમને ખસવાનું કહે અને રસ્તા પર ઉલટી કારી નાખે. હજુ એ રસ્તેથી આવતા જતાં એ ઉલટીના નિશાન જોઈ શકું છું. અમુક ચોક્કસ સ્થળોએ પિચકારીવીરોની અમુક ચોક્કસ સમયે સ્નેહમિલન અને સ્પર્ધાઓ થતી રહેતી હોય છે. પાનનો ગલ્લો એનું એક સચોટ ઉદાહરણ. ગલ્લાવાળાને ક્યારેય એના ગલ્લાને બહારની બાજુએથી રંગવાની જરૂર પડી હોય એવું મેં કદી જોયું નથી. પિચકારીવીરો કે સ્વયંસેવકો નવા ગલ્લાનાં ઉદ્દઘાટનના દિવસથી જ ત્યાં પહોંચી જઈને કલરકામ શરૂ કરી દે છે. ના એમને કોઈ જોઈ જય એની પરવાહ છે કે ના એમને મોત થઈ ડર લાગે છે. તો આવા બહાદુર, મોતને માત આપતા, દુનિયાને રંગોથી ભરી દેતા, સ્વયંસેવક, સંશોધનકર્તા, પિચકારીવિરોને રંગોના પર્વ નિમિત્તે મારા વંદન.
*પાન-મસાલા કે ગુટખાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
Comments
Post a Comment