AMTS ( મારો અનુભવ – પ્રથમ પ્રયત્ન )
AMTS
આ વાત છે મારી અને મને મારા રોજિંદા લક્ષ્ય "કોલેજ" પહોંચાડનારી "AMTS" બસની. જોકે આ વાત માત્ર મારા પૂરતી સીમિત ન રાખી શકાય. તે દરરોજ લગભગ અમદાવાદના હજારો લોકોને છેડતી , છંછેડતી અને છાના રાખતી ચાલી રહી છે. ભલે ગમે એ હોય , પણ આ બસો આઝાદી પહેલાથી અમદાવાદના નાગરિકોને હેરફેર ને લીલાલહેર કરવાનું કામ કરી રહી છે.
અમદાવાદના લગભગ દરેક રસ્તે ફરી વળેલી તેઓ નગરજનોને ઠંડી , ગરમી ને વરસાદમાં પણ ક્યારેય સાથ આપવાનું ભૂલી નથી. ભલે બિચારી ઘરડી થાય , ચાલવાના ઠેકાણા પણ ના રહ્યા હોય , છતાંય એની ફરજ એ પુરી કર્તવ્યનિષ્ઠા સાથે બજાવે છે.
જયારે આપણે AMTSની વાત કરી રહ્યા છીએ તો એના સારથીને કઈ રીતે ભૂલી શકીએ! ખાખી શર્ટ , આંખે ગોગલ્સ , લેટેસ્ટ હેરસ્ટાઇલવાળા વાળ અને મોટેભાગે માવો ભરેલા મોડા સાથે સામે મુકેલા ફોટામાં રહેલી માતાજીના આશીર્વાદ લઈને એ બસ હંકારે એટલે ભલભલાના છક્કા છૂટી જાય. કોઈ રેંજીપેંજીનું તો કામ જ નઈ કે મુસાફરી કરી શકે. ટ્રાફિકના લગભગ બધા નિયમોનું પાલન કર્યા પછીયે આ રીતે વાહન હંકારવું એ કંઈ ખાવાના ખેલ નથી. આ સારથિમિત્ર જયારે આટલું મોટું વાહન લઈને ગલીઓમાં નીકળે એટલે ખરી કસોટી શરુ થાય. પેલા સ્કૂટર ને બાઈકોવાળા તો જાણે છછૂંદરાની જેમ આમથી આમ દોડાદોડ કરતા હોય એટલે આ હાથીના મહાવત એ એને કાબુમાં રાખવો પડે. બિચારો આખા દિવસનો ફરતો હોય , ને એમાંય સાંજના પોરે કોઈ છછૂંદર આવીને હળી કરી જાય તો ક્યારેક એને હાથીના પગે કાચડાવું પડે.
આમ જોઈએ તો ડ્રાઈવર અને કન્ડક્ટરની જોડી કઈંક અલગ જ હોય છે. એક ઈશારો , માત્ર એક ઈશારો જ પૂરતો હોય છે વાતચીત માટે. એ ઈશારાના આધારે જ આખા દિવસની સફર ચાલે છે. પેલા ટિકિટ-ટિકિટ ના સળંગ અને હંમેશા ચાલુ રહેતા બોલ તો કબડ્ડીનો મહારથી પણ આટલી કુશળતાથી ના દોહરાવી શકે. અને તમે ટિકિટપન્ચનો અવાજ તો સાંભળ્યો જ હશે. આમ ટાઈપરાઈટરની ચાંપો વારાફરથી દાબીએ એવો અવાજ ઉત્પન્ન કરી આખી બસને ટિકિટ લેવા આકર્ષવા કઈ નાનીસૂની વાત ના કે'વાય.
આ બધી વાત કરીએ એની સાથે મુસાફરોની વાતના કરીએ તો દૂધ વગરની ચા જવું થાય. મુસાફરોમાં તો અબાલવૃદ્ધ બધા આવી જાય. એમાંય આપણે એમના અલગ અલગ પ્રકારો પાડી શકીએ.
1) સૌથી પેલા બસમાં ચડવા વાળા : આ એવા મુસાફરો કે જેમનો મુખ્ય ઉદ્દેશ સીટ મેળવવાનો હોય છે. આવા મુસાફરો હંમેશા બસની આસપાસ મંડરાયા કરે છે અને દરવાજા ખુલતાની સાથે વાયુવેગે પ્રવેશી સીટ હસ્તગત કરી લે છે.
2 ) વતોડિયા : આમનું બસમાં એક જ કામ. આખી ટોળકી લઈને બસમાં ચઢવાનું , બૂમો પાડવાની , દોસ્તારોની ખેંચવાની ને આજે નાહ્યા વગર આવ્યા છે એ વાત આખી બસ ને કે'વાની. આવા મુસાફરો ક્યારેય એકલા જોવા મળતા નાથી. જો એકલા હોય તો તેઓ તાત્કાલિક ધોરણે કોઈને પણ દોસ્ત બનાવી તેમની હરકતો ચાલુ કરી દેશે.
3 ) સમાજસેવક : સમાજસેવા માં આ લોકો ભામાશા પછી તરતના ક્રમે આવે છે. એકદમ માસુમ હૃદયના આવા મુસાફરો જરૂરિયાતમંદ વ્યક્તિ તેમને મળેલી સીટ નો સહર્ષ ત્યાગ કરી શકે છે. જોકે તેમના આ ભોળાપણાનો લાભ અમુક સિટલોભીઓ ઉઠાવે છે.
4 ) રખડવીરો : આ એવા મુસાફરો કે જેમણે પોતાના AMTS પ્રેમ માટે બધું જ છોડી દીધેલ છે. તેઓ સવારે ઉઠીને દૈનિકક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ સીધા જ બસ માં આવી ચઢે છે. તેમને ના તો સીટનો મોહ છે ના કોઈ સ્થળનો. તેઓ પોતાનો આખો દિવસ બસ સાથે જ વિતાવે છે. આ વૈરાગી લોકોને પોતાના કામધંધાથી પણ બસ વધારે વહાલી છે.
5 ) ઝગડાકિંગ : આ મુસાફરોનું જીવન જ ઝઘડવું છે. કોઈ આગળ ના ખસે તો ઝઘડો , કોઈ સીટ ના આપે તો ઝઘડો , ડ્રાઇવર બસ ઉભી ના રાખે તો ઝઘડો , મોદી ચૂંટણી ના જીતે તો ઝઘડો અને ટ્રમ્પ કેમ ચૂંટણી જીત્યા એનો પણ ઝઘડો.
આ થઇ ગ્રાહકોની વાત. પણ એક વાત બાકી રહી ગઈ. વાતાવરણનું વર્ણન.
ધારો કે તમે નસીબદાર નીકળ્યા ને તમને બેસવા માટે સીટ મળી ગઈ ( ભયંકર ધક્કામુકી કર્યા બાદ ) , તો આગળના સ્ટેન્ડથી તમારો કોઈ ઓળખીતો બસમાં ચઢશે. એ તમને એનો બધો સામાન પકડાઈ દેશે. આવી જ રીતે આગળના ચારથી પાંચ સ્ટેન્ડમાં ઓછામાં ઓછા પાંચેક જણા તમારા ઓળખીતા નીકળશે અને તમે એમનો સામાન ખોળામાં લઈને બેઠા હશો. એમાંય તમન કોઈ વડીલ કે કોઈ કન્યા એમની વસ્તુનું ધ્યાન રાખવા આપશે એટલે એનો સ્વીકાર કર્યા વિના તમારે છૂટકો નઈ. હવે તમે સાત વ્યક્તિઓના સામાન નીચે એક બેડોળ પ્લાસ્ટિક સીટ બેઠેલા છો અને લગભગ ચારેય તરફથી ઘેરાયેલા છો , બાજુમાં જ પબ્લિક બુમાબુમ કરીને વાતચીત કરી રહી છે , કોઈ સિંગર સ્પીકર લઈને આવ્યો છે અને તમને ના જ ગમે એવા ગીતો ફુલ વોલ્યુમમાં વગાડી રહયો છે , કંડક્ટર "ટીકીઈઈટ...ટિકિઈઈટ"ના નારા લગાવી રહ્યો છે અને તમને શ્વાસ લેવામાં સખ્ખત તકલીફ પડી રહી છે. આ છે રોજિંદી પરિસ્થિતિ.
હવે એમાં શિયાળો , ઉનાળો અને ચોમાસાની સીઝનલ પરિસ્થિતિઓનો અલગથી સમાવેશ થાય.
શિયાળામાં વાતાવરણ એકંદરે સુખદાયક હોય. ઠંડકના લીધે ગમે તેવી વિકટ પરિસ્થિતિ થાળે પડી જાય. ઉનાળામાં ગરમી બધાને માથે ચઢેલી હોય. આખી બસમાં બધાની આગવી સુગંધથી બનેલી એક અલગ જ પ્રકારની ગંધ આવી રહી હોય. લોકો વગર નહાયે નહાઈ લે એવી પરિસ્થિતિ સર્જાય. અને આ સમયે ઝઘડાકિંગ મુસાફરોનો પારો ટોચ પર જતો રહે છે. એટલે ઘણું ના થવાનું પણ થઇ જાય. તમને એમ લાગતું હોય કે વરસતા વરસાદમાં ટુ-વ્હીલર લઈને જાવા કરતા બસમાં જઈએ પણ સાહેબ તમે અહીંયા પણ પલળ્યાં વિના નથી રહેવાના. દરેક બારીઓમાંથી ઝરણાં વહેવાના ચાલુ થઇ જાય અને આ સમયે વિન્ડો-સીટ ના મેળવવા માટે સ્પર્ધા થાય.
પણ ગમે તે હોય , આ સેવાનો લાભ મેળવવા એના લાભાર્થીઓ હંમેશા તત્પર જોવા મળે. જેવી એ આવે એની સાથે જ જાણે કોઈ સેલિબ્રિટી આવી હોય એવી ભીડ જામે , લોકો પડાપડી કરે , ક્યારેક મારામારી પણ થઇ જાય.
ભલે જે પણ થાય આવી સફર બાદ તમે કોઈને પણ કહી શકો કે તમે એડવેન્ચર કરેલા છે. તો જેમણે ના કર્યું હોય એ એક વાર કરો ટ્રાય.;)
Sahi hein Bhai, keep it up, achieve new heights, Unlock the Sky.
ReplyDeleteMilind Patel.
Thank you મિત્ર
ReplyDeletebhai bhai👏👏👏👏👏👏👏
ReplyDeletebhai bhai👏👏👏👏👏👏👏
ReplyDeleteવાહ
ReplyDelete