સવાર

ઉઠી ગયો છું. હમણાં એક્ઝામ્સ ચાલે છે એટલે જરા વહેલો ઉઠી જાઉં છું. શિયાળો શરૂ થઈ ગયો છે. આમ તો હું રાત્રે રૂમની બારીઓ ખુલ્લી રાખીને જ સુઈ જાઉં પણ રાત્રે દાદા કે બા આવીને બંધ કરી જાય; ચિંતા હોય ને પૌત્ર ની. બારીમાંથી ભળભાંખળું થયું છે એનો ખ્યાલ આપતો પ્રકાશ આવી રહ્યો છે. વહેલા ઉઠવાથી આમ શરીર તાજગીવાળું હોય છે. બાલ્કનીનો દરવાજો ખોલતાં જ સવારની ઠંડીને લઈને પવન મારા સોંસરવો નીકળી ગયો. કઠેડો પણ એકદમ ઠંડો થઈ ગયો છે જાણે ચંદ્રએ બધી શીતળતા અહિયાં જ ઠાલવી દીધી. અમારું ઘર મુખ્ય શહેરથી ચાર-પાંચ કિલોમીટર દૂર છે અને કદાચ એટલે જ અહીંયા આ સવારની શાંતિ માણી શકાય એવી છે. લગભગ પોણો કિલોમીટર દૂર હાઇવે પર પસાર થઈ રહેલા વાહનોનો પણ અવાજ હું સાંભળી શકું છું. પક્ષીઓ તો બધા ઉથી ગયા છે. બગીચામાં ચકલી, ના ચકલીઓ, ચારથી પાંચ પ્રકારની ભેગી થઈ છે. આજે તો પોપટ પણ આવ્યા છે. વાતાવરણમાં થોડું ધુમ્મસ છે. કારના કાચ પર ઝાકળ જામી ગયેલું હું જોઈ શકું છું. કેસરી આકાશમાં પંખીડા પોતાનું ચણ શોધવા નીકળી પડ્યા છે. કેવી મજા આવતી હશે નઈ. હું એમને અહીંયાંથી જોઈને હરખાઉં છું ને એતો આખી દુનિયા જોઈ શકે છે. દૂર પેલા ફ્લેટ પાછળ કદાચ સૂર્ય ઉગી ગયો છે. વાતાવરણમાં કેસરી રંગની ઘટ્ટ બની ગયો છે. આંખ બંધ કરીને ગુલાબી ઠંડી માણી રહ્યો છું. વિચારું છું કે આખો દિવસ આવું વાતાવરણ મારી સાથે રહે. "પવન, ના'વા ચલ બેટા." "આવ્યો મમ્મી."

Comments

Popular posts from this blog

પ્રતિબિંબ

ટ્રાફિક ( મારો અનુભવ )

Manali ( A travel diary )