કુદરતનું ચિત્ર

આખો દિવસ ચાલી ચાલીને થાક્યા બાદ હમણાં હું અહીંયા પહોંચ્યો છું. મારી સામે છે એક સુંદર કુદરતી દ્રશ્ય; ચિત્રમાં દોરીએ ને, બિલકુલ એવું જ–કુદરતનું ચિત્ર. સાંજ ઢળી ગઈ છે. પ્રકાશ જતા જતા ધરતીને અંધારું ઓઢાડી રહ્યો છે. એક તરફનું આકાશ કેસરી પ્રકાશે રંગાયું છે. મારી આગળ જ એક નાનકડી નદી ધીમા પ્રવાહે વહી રહી છે અને સામે ટેકરીઓની ટોચ પર હજુ થોડો પ્રકાશ છે. શિયાળાની શરૂઆતનો સમય છે એટલે વાતાવરણમાં ખુશનુમા ઠંડક છે. પંખીઓ ઘરે ફર્યા બાદ કલબલાટ કરી રહ્યા છે ને પાછળ ઝાડીઓમાંથી તમરાઓનો ગણગણાટ સંભળાય છે. ત્યાં દૂર ટેકરીની તળેટીમાં કોઈ નાનકડા ઘરમાં ફાનસનો પ્રકાશ દેખાય છે અને બહાર એક તાપણું બળે છે; ના, કદાચ એ ચૂલો છે. મારી સામે કદાચ ઉગમણી દિશા છે ને ત્યાં બે ટેકરીઓ વચ્ચેથી ચંદ્ર આકાશે ચડ્યો છે. આજે પૂનમ તો નથી પણ ચંદ્ર તો પૂનમ જેવો જ ખીલ્યો છે. આકાશમાં ક્યાંક ક્યાંક તારલા પણ ફૂટી નીકળ્યા છે. આ નજરાને હું જોઈ જ રહ્યો છું. હું આંખો બંધ કરી લઉં છું. નદીનું નૃત્ય મને સંભળાઈ રહ્યું છે. પંખીઓનું સંગીત મને સંભળાઈ રહ્યું છે. બંધ આંખે પણ હું એ ચંદ્રમાને અનુભવી રહ્યો છું. આ ગુલાબી ઠંડીમાં પેલું તાપણું મને હૂંફાળું કરી રહ્યું છે. મનના બધા ભાવો ભુલાઈ ગયા છે ને હું કદાચ જીવનમાંથી બહાર કુદરતના ખોળામાં આવી પડ્યો હોઉં એવું લાગી રહ્યું છે. કાલે કોલેજ જવાનું છે, અસાઈનમેન્ટ લખવાના છે અને પેલા ક્લાસમાં પણ જવાનું છે; કોઈના મેસેજીસના રીપ્લાય પણ આપવાના છે; પણ હું તો માણી રહ્યો છું કુદરતને–કુદરતના એકાંતને. આંખો ખોલી. અંધારું થઈ ગયું છે. બસ પકડીને ઘરે પણ પહોંચવાનું છે અને; કાલથી જિંદગી શરૂ.

Comments

Post a Comment

Popular posts from this blog

રસ્તો

AMTS ( મારો અનુભવ – પ્રથમ પ્રયત્ન )

ટ્રાફિક ( મારો અનુભવ )