પિચકારી પર્વ આજે હોળી છે તો આજે વાત પણ કરીએ કંઈક રંગોની, પિચકારીની. તમે સાંભળી હશે પેલી બનારાસની અને રાજસ્થાનની પ્રખ્યાત હોળી-ધુળેટીના તહેવાર વિશે; પણ ગુજરાતની બારમાસી હોળી(કે ધુળેટી) વિશે સાંભળ્યું છે ખરા? સાંભળ્યું નથી પણ એના નિશાન તમારા અચેતન મગજે અચૂક નોંધ્યા હશે(એટલા બધા નિશાન હોય છે કે નોંધ લીધા વગર રહેવાય નહિ). હું એકચ્યુઅલી જન્મ્યો ત્યારથી અમદાવાદમાં જ છું. જેમ મુંબઇ, દિલ્હી, બેંગ્લોરમાં તમને આખા ભારતના લોકો મળી રહે એમ અહીંયા ભારત નહિ તો બધા પ્રકારના ગુજરાતીઓ જરૂર મળી રહે. એમાંનો અમુક ચોક્કસ વર્ગ બારમાસી હોળી રમવામાં પાવરધો છે. એ વર્ગ છે–માવા ખાવા વાળા. દૂધનો માવો તો ભાઈ નસીબદારને મળે પણ આ વર્ગને જો તમે દૂધનો માવો આપો તોય એમનો માવો માંગશે. આ એ જ વર્ગ જેમને પિચકારીના આવિષ્કારકર્તા માનવામાં આવે છે. તેમણે વિકસાવેલી પિચકારી મારવાની રીતો ખરેખર અદભુત અને બેનમૂન છે(નમૂનાઓ જે કરે એને બેનમૂન કે'વાય). એ જ પદ્ધતિઓ અને વર્ષોના અવિરત સેવા કાર્યોના લીધે શહેરના મોટા ભાગના શોપિંગ કોમ્પ્લેક્સ અને અપાર્ટમેન્ટ્સના પગથિયાં, સુલભ શૌચાલયો અને શહેરના લગભગ બધા ખૂણાઓ એક રંગે રંગાઇ ગયેલા છે...