ટ્રાફિક ( મારો અનુભવ )

ટ્રાફિક
     ટ્રાફિકનો ખરો અર્થ તો થાય વાહનોની અવરજવર , પણ આપણા અર્થમાં ટ્રાફિક એટલે વાહનોની ભીડ. ટ્રાફિકજામનો જામ તો આપણે ખરા અર્થમાં ખાઈ જઈએ છીએ. હું અમદાવાદી છું અને બીજા સિટીને કઈ ખાસ સમજ્યા નથી એટલે અમદાવાદના ટ્રાફિકની વાત કરું.
     અમદાવાદી માણસ એટલે 'ફાફડા જલેબી ખાવાના અને જલસા કરવાના' એવા ધ્યેય સાથે જીવન જીવનાર , પણ ખબર નઇ કેમ એ જયારે કોઈ વાહન પર સવાર થાય એટલે એકદમ ઈમરજન્સી અવસ્થામાં આવી જાય જાણે કે કિમ જોન્ગ ઉન સાહેબને અમેરિકા પર એટમ બૉમ્બ ફોડવો કે નઇ એના સલાહ-સુચન આમણે આપવાના હોય. વાહન પર સવાર થયા પછી એમનું એક જ ધ્યેય હોય છે કે ગમે એટલી અડચણો આવે , એમને ઓળંગીને મંઝિલ સુધી પહોંચવું. પછી વચ્ચે આવનાર ભલેને ગમે એ હોય અને ગમે તે હોય , એને હડસેલો મારીને કે ફોસલાવીને કે છેવટે બીક બતાડીને પણ એની અડચણ દૂર કરી દે.
     જેમ દેશના આર્થિક વિકાસ સાથે સામાજિક વિકાસ મહત્વનો છે એમ જ ટ્રાફિક જેટલું જ મહત્વ ટ્રાફિકજામ અને એનું સર્જન કરનાર કારણો ( તમારું અને મારું ) છે.
ટ્રાફિકજામ સર્જનારા કારણો વિવિધ અને વિચિત્ર પ્રકારના હોય છે.
     અમદાવાદી રિકક્ષાવાળો : દરરોજ નાના નાના અને ક્યારેક મોટા ટ્રાફિકજામનું સર્જન કરનાર. ક્યારેક નાના મોટા એક્સિડન્ટ પણ કરવાની અને કરવાની ક્ષમતા ધરાવે છે. એમની સેવા અમૂલ્ય છે કે અ-મૂલ્ય એ કહેવું મુશ્કેલ છે. પોતાના ગ્રાહકો માટે તેઓ બીજાનો જીવ જોખમમાં નાખી દેતા પણ અચકાતા નથી. રસ્તા પરની પહેલી લેનમાં જતા રિક્ષાવાળાની નજર હંમેશા રસ્તાની છેલ્લી લેન પર રહેલી હોય છે. ફૂટપાથ પર કોઈ વ્યક્તિનો હાથ ઊંચો દેખાય એટલે એ વ્યક્તિ ગ્રાહક છે એવું માનીને રિક્ષાવાળો રિક્ષાને 90° એ ટર્ન આપીને ઓછામાં ઓછું અંતર કાપીને સીધો એ વ્યક્તિ તરફ ધસી જાય છે. આ સમયે એ પોતાની પણ પરવાહ કરતો નથી. ગ્રાહક પ્રત્યેનો આવો ભાવ માત્ર અમદાવાદના રિક્ષાવાળામાં જ જોવા મળી શકે. રિક્ષામાં આઠ જણાને બેસાડવા એ એમની આવડત છે અને પગથી સાઈડ બતાવવી એ એમની અનોખી સ્ટાઇલ છે.
     AMTS : અમદાવાદના નાના રસ્તા પર ફરતું મોટું વાહન. ક્યારેક ખાલી તો ક્યારેક ઓવરલોડ થઈને ફરતા આ વાહન ટ્રાફિકજામ સર્જવામાં મહત્વનો ફાળો આપે છે. એના માટે એના ચાલકો અને સંચાલકોને પણ જવાબદાર ગણી શકાય. સવારથી સાંજ સુધી ભરટ્રાફીકે બસ ચાલવીને કંટાળેલો ચાલક ક્યારેક ભયાવહ સ્વરૂપ પણ ધારણ કરે છે અને એક્સિડન્ટ માટે જવાબદાર બને છે. પણ આવા ટ્રાફિકનું સર્જન કરી એમાંથી બહાર નીકળી જવું એ એમની આવડત કહી શકાય.
     ટુ-વ્હીલર ચાલકો : કહી શકાય કે તેઓ ટ્રાફિકજામ સર્જી શકે છે પણ તેઓ ક્યારેય ટ્રાફિકજામમાં ફસાતા નથી. જેમ પાણી સૌથી સરળ રસ્તો શોધીને આગળ વધે રાખે છે એમ દ્વિચક્રી ચાલકો પણ ગમે તેવા જામમાં પોતાનો રસ્તો શોધી લે છે. પોતાનું વાહન દ્વિચક્રી હોવાથી તેઓ તેની બે પગ વાળા રાહદારીઓ સાથે સરખામણી કરે છે અને ફૂટપાથ પર પણ વાહન ચલાવતા ખચકાતા નથી.
     ફોર-વ્હીલર ચાલકો : એક રીતે સૌથી શાંત અને એક રીતે સૌથી ઉતાવળા આ ચાલકો ટ્રાફિકજામમાં એકદમ શાંતિ જાળવી રાખવા જાણીતા છે. કારણ કે જો ઉતાવળ કરે તો માત્ર તેમનું જ નુકશાન થાય એના પુરા ચાન્સ છે. પણ ખુલ્લા હાઇવે જેવા રસ્તા પર તેઓ એક્સેલેટર પરથી પગના હટાવવા માટે પણ નામચીન છે. પૂરપાટ ઝડપે જતી વખતે તેમને માત્ર મંઝિલ જ દેખાય છે અને તેની વચ્ચે આવતી દરેક વસ્તુ-વ્યક્તિને તેઓ અડફેટે લઇ શકે છે. આમ , ફોર-વ્હીલર ચાલકો એક્ષટ્રીમ માનસિકતા ધરાવે છે.
     રાહદારી : તમને એવું લાગતું હશે કે બિચારો રાહદારી ટ્રાફિકમાં શું સ્થાન ધરાવે! પણ રાહદારી ટ્રાફિકનું એક મજબૂત પાસું છે. રસ્તે આવતા રાહદારીને અવગણવા વાળા ઘણા ચાલકો જેલના સળિયા ગણે છે. રાહદારી રસ્તો ક્રોસ કરતી વેળાએ એક હાથ બતાવે ત્યારે વાહન ચાલકની તાકાત નથી કે એ બ્રેક ના મારે. રાહદારીઓ , પોતાનાથી ઉદભવતા ડરના લીધે પોતે રાજા છે એવું મહેસુસ કરતા હોય છે અને ફૂટપાથ છોડીને રસ્તા પર ચાલવાનું યોગ્ય માને છે પણ આવા સમયે ઉપર જણાવ્યા મુજબના વાહનચાલકો તેમને ભગવાનના ધામમાં પહોંચાડવા માટેના માધ્યમ બની શકે છે.
     આતો થઇ વાત ટ્રાફિકના અને ટ્રાફિકજામના કારણો. અમુક એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેનો ઉલ્લેખ કરવો મને યોગ્ય લાગી રહ્યું છે.
     ઘટનાઓમાં જોઈએ તો એક્સિડન્ટ પછીની મારામારી વગરની ધમકીઓ , ક્યારેક મારામારી , સ્ત્રી ચાલકનો એક્સિડન્ટ થવો , વિગેરે ગણી શકાય. ક્યારેક એક્સીડેન્ટ અથવા ખુબ જ નાની ટક્કર (જેમાં કોઈને કંઈ નુકશાન ના થયું હોય) બાદ ખુબ જ જોરદાર મારામારી થઇ શકે છે. જો કોઈ યુવાન પુરુષ ચાલકનો કોઈની પણ સાથે એક્સિડન્ટ થાય તો હંમેશા તેની જ ભૂલ હોય છે તેમ કહી શકાય. એમાંય જો તેની અડફેટ કોઈ સ્ત્રી ચાલક સાથે થાય તો સ્ત્રી પ્રત્યેની આસક્તિના લીધે આસપાસના યુવાનો ત્યાં દોડી આવે છે અને ક્યારેક તે યુવાન પુરુષ વાહન ચાલકને ધીબેડી નાખ્યાનાં કિસ્સા બને છે. લોકોને ખબર ના હોય કે શેની મારામારી ચાલે છે છતાંય ઘરે પત્નીના હાથનો માર ખાતા હોય અને બહાર "મોકો મળ્યો છે એટલે લાભ લઇ લો"ની ગણતરીએ તેઓ હાથ સાફ કરી લે છે. રાહદારીઓમાં આ ભાવના વધુ જોવા મળે છે.
     ટ્રાફિક પ્રત્યેના માનના આધારે જોઈએ તો અમદાવાદના મુખ્ય બે ભાગ પાડી શકાય. પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર.
     પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું એ એક સામાન્ય બાબત છે. અહીં ટ્રાફિક-સિગ્નલ ને દિવાળીમાં શણગાર માટે કરવામાં આવતી લાઇટ્સની નજરે જોવામાં આવે છે. હેલ્મેટ પહેરવું ગુનો ગણાય છે અને ટ્રાફિક-પોલીસની નજર ચૂકવીને નીકળી જવું એક આર્ટ ગણાય છે. BRTSના ટ્રેકમાં ઘુસીને આગળ નીકળી જવું એ ગર્વની વાત ગણી શકાય (જોકે , BRTSના અલગ ટ્રેક બનાવાને લીધે પૂર્વ વિસ્તારના નાના રસ્તાઓ પર ટ્રાફિકજામનું પ્રમાણ વધ્યું છે). જયારે પશ્ચિમ વિસ્તાર એકદમ ઉલટું વલણ ધરાવે છે. અહીં ટ્રાફિક-પોલીસની હાજરી વગર પણ ચાલકો સિગ્નલ્સનું પાલન કરે છે. લેનમાં ચાલવું અને ઝીબ્રા ક્રોસિંગથી જ રોડ ક્રોસ કરવો એ અહીંના રસ્તા પર છે. પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકનો ભંગ કરીને આવેલો વ્યક્તિ પણ અહીંયા આવીને નિયમપાલનમાં માનવા લાગે છે. પણ સ્ત્રી ચાલકોમાં સાઈડ લાઇટ ના બતાવવી , હેલ્મેટ ના પહેરવું અને હંમેશા બુકાનીમાં રહેવાની પ્રથા હજુ ચાલી રહી છે. પોલીસવાળાને મેમો ના ફાળવો માટે મનાવવા અને ના માને તો અડધા પૈસા માં પતાવી દેવાની આવડત એક સામાન્ય અમદાવાદીમાં જન્મજાત રહેલી હોય છે. જોકે હવે રસ્તે-રસ્તે કેમેરા લાગી જવાથી લોકો ટ્રાફિકના નિયમોનું માં કરવા લાગ્યા છે. પણ હજુ ઘણા લોકો એવા છે ("ચાચા હમારે વિધાયક હૈ"વાળા લોકો) ટ્રાફીકને હળવાશથી લે છે. આ ટ્રાફિક વિશે લગભગ બધું લખ્યું તો છે પણ હવે જો સાચુકલો અનુભવ કરવો હોય તો તમારે રસ્તા પર આવવું રહ્યું;)
   

   

Comments

Post a Comment

Popular posts from this blog

પ્રતિબિંબ

Manali ( A travel diary )