રસ્તો એક શહેરમાંથી પસાર થાય છે. એક વિશાળ શહેર. ક્યાંક વૈભવી ઇમારતો મળે છે તો ક્યાંક ઝૂંપડપટ્ટીમાંથી. અહીંયા ગાઢ અંધારું છે પણ ત્યાં થોડે દૂર સ્ટ્રીટ લાઈટનો ઝાંખો પ્રકાશ પણ છે. કેટલાક ઘરો એ ઘરની બહાર લેમ્પ પણ ચાલુ રાખ્યા છે, કદાચ એમને હશે કે કોઈને રસ્તો જોવામાં મદદ મળી રહે. આટલા વર્ષો પછી રસ્તા તો બધા પાકા બની ગયેલા છે. ક્યાંક બગીચો પણ છે. દૂરથી તો સુંદર લાગ્યો પણ અંદર ક્યાંક ખાડા તો ક્યાંક કીચડ પણ છે. રાત્રે બધા ફૂલ પણ મુરઝાઈ ગયા છે. ક્યાંક જવા એક રસ્તો નક્કી હોવો તો જરૂરી છે પણ આટલા બધા રસ્તા જોઈને મૂંઝવણ થાય છે. આના બદલે કદાચ બીજા રસ્તે જાઉં પણ વચ્ચે ક્યાંક ભરાઈ જાઉં તો નીકળવાનો કોઈ ઉપાય મારી પાસે નથી. અને રસ્તો વચ્ચે અટકી જાય તો ફરી પાછી આટલી લાંબી મજલ કાપતા હું પાક્કો થાકી જઈશ. રસ્તામાં એક ટોર્ચ પડેલી મળી છે. અમુક અંતર સુધી હું હવે જોઈ શકું છું. સવાર પડે ત્યાં સુધી આમ જ એકલા આ રસ્તાઓ પર ચાલ્યા કરવાનું છે. હવે આગળ તો કાલનો સૂરજ જ કહેશે.
AMTS હું એની તરફ જઈ રહ્યો 'તો. એ મારી નજર સમક્ષ હતી. મેં એને જોઈ એને મને જોયો હશે પણ મને નજરઅંદાજ કરીને એ જતી રહી. આવું ઘણી વાર બન્યું મારી સાથે. સાચે બૌ દુઃખ ની લાગણી થાય જયારે તે મારી સામેથી મને જોઈને જતી રહે છે જયારે એ જાણતી હોય છે કે હું માત્ર અને માત્ર તેના માટે જ આવ્યો છું. આ વાત છે મારી અને મને મારા રોજિંદા લક્ષ્ય "કોલેજ" પહોંચાડનારી "AMTS" બસની. જોકે આ વાત માત્ર મારા પૂરતી સીમિત ન રાખી શકાય. તે દરરોજ લગભગ અમદાવાદના હજારો લોકોને છેડતી , છંછેડતી અને છાના રાખતી ચાલી રહી છે. ભલે ગમે એ હોય , પણ આ બસો આઝાદી પહેલાથી અમદાવાદના નાગરિકોને હેરફેર ને લીલાલહેર કરવાનું કામ કરી રહી છે. અમદાવાદના લગભગ દરેક રસ્તે ફરી વળેલી તેઓ નગરજનોને ઠંડી , ગરમી ને વરસાદમાં પણ ક્યારેય સાથ આપવાનું ભૂલી નથી. ભલે બિચારી ઘરડી થાય , ચાલવાના ઠેકાણા પણ ના રહ્યા હોય , છતાંય એની ફરજ એ પુરી કર્તવ્યનિષ્ઠા સાથે બજાવે છે. જયારે આપણે AMTSની વાત કરી રહ્યા છીએ તો...
ટ્રાફિક ટ્રાફિકનો ખરો અર્થ તો થાય વાહનોની અવરજવર , પણ આપણા અર્થમાં ટ્રાફિક એટલે વાહનોની ભીડ. ટ્રાફિકજામનો જામ તો આપણે ખરા અર્થમાં ખાઈ જઈએ છીએ. હું અમદાવાદી છું અને બીજા સિટીને કઈ ખાસ સમજ્યા નથી એટલે અમદાવાદના ટ્રાફિકની વાત કરું. અમદાવાદી માણસ એટલે 'ફાફડા જલેબી ખાવાના અને જલસા કરવાના' એવા ધ્યેય સાથે જીવન જીવનાર , પણ ખબર નઇ કેમ એ જયારે કોઈ વાહન પર સવાર થાય એટલે એકદમ ઈમરજન્સી અવસ્થામાં આવી જાય જાણે કે કિમ જોન્ગ ઉન સાહેબને અમેરિકા પર એટમ બૉમ્બ ફોડવો કે નઇ એના સલાહ-સુચન આમણે આપવાના હોય. વાહન પર સવાર થયા પછી એમનું એક જ ધ્યેય હોય છે કે ગમે એટલી અડચણો આવે , એમને ઓળંગીને મંઝિલ સુધી પહોંચવું. પછી વચ્ચે આવનાર ભલેને ગમે એ હોય અને ગમે તે હોય , એને હડસેલો મારીને કે ફોસલાવીને કે છેવટે બીક બતાડીને પણ એની અડચણ દૂર કરી દે. જેમ દેશના આર્થિક વિકાસ સાથે સામાજિક વિકાસ મહત્વનો છે એમ જ ટ્રાફિક જેટલું જ મહત્વ ટ્રાફિકજામ અને એનું સર્જન કરનાર કારણો ( તમારું અને મારું ) છે. ટ્રાફિકજામ સર્જનારા કારણો વિવિધ અને વિચિત્ર પ્રકારના હોય છે. ...
Comments
Post a Comment